રવિવાર, 6 સપ્ટેમ્બર, 2015

શિક્ષક દિન ઉજવણી ૨૦૧૫

શાળામાં માં શિક્ષક દિનની ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કામગીરી બજવી શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકદિનની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવી હતી.

શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બનનારા દેશના ભૂતપૂર્વ સ્વ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમના જન્મદિવસે એટલે કે 5 સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિનના દિવસે સામાન્યત: દરેક શાળાઓમાં સ્વશાસન દિનની પણ ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી નેતૃત્વના ગુણ ખીલે છે અને સમાજ માટે શિક્ષકોની શું ભુમિકા છે તેનાથી માહિતગાર થાય છે. અેક દિવસ માટે શિક્ષક બનીને વિદ્યાર્થીઓ શિક્ષકોના ઉત્તરદાયિત્વને સમજે છે. વિદ્યાર્થી જીવનમાં શિક્ષકો દ્વારા મળતા જ્ઞાનના આધારે તેમનો પાયો મજબૂત કરવામાં આવે છે જેથી કે તે તેના જીવનમાં એક સારૂ વ્યક્તિત્વ સ્થાપિત કરી શકે.
ઉમેરો
                                                          
ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .
                                            
આ વર્ષે ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ જન્માષ્ટમી યોગાનુયોગ રીતે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને છે. વૃંદાવનના નટખટ કનૈયા અને દ્વારકાના કુશળ રાજનીતિજ્ઞ, ભગવાન શ્રી કૃષ્ણ યોગ, જ્ઞાન, ધર્મ, કર્મ વિગેરે વિષયોમાં દ્વાપરયુગથી માંડીને કલિયુગમાં પણ મનુષ્યોનું પથદર્શન કરનારા જગદ્ ગુરુ પણ ખરા. શ્રી કૃષ્ણં વંદે જગદ્ ગુરૂમ્  અમસ્તુ કહેવાતું હશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વનો અજોડ ધર્મગ્રંથ છે, જેણે માનવજાતને જીવન જીવતાં શિખવ્યું છે. મહાનાયક શ્રી કૃષ્ણની ઉત્તમ શિક્ષક (ગુરૂ) તરીકેની લાક્ષણિકતાનો પૂર્ણ સ્વરૂપે પ્રકટ થતી દેખાય છે. ગીતાજીના 18 અધ્યાયમાં જે જ્ઞાન પીરસવામાં આવ્યું છે અને જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે વિશ્વના ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોવા મળે છે.
મેકોલેના રંગે રંગાઈને ઘડાયેલી આપણી શિક્ષણ પધ્ધતિમાં ઉછરેલા, માત્ર મટિરિયલ્સ કે મેનેજમેન્ટ જ નહિ પરંતુ માહિતી અને જ્ઞાન માટે પણ પશ્રિમને જ આદર્શ માનનારા આપણા દેશી સાહેબોને ય મોડે મોડે એવું જ્ઞાન લાધ્યું છે કે મોર્ડન મેનેજમેન્ટ, કમ્યુનિકેશન, રણ કૌશલ અને વ્યૂહરચના જેવા નિતાંત અર્વાચીન સિધ્ધાંતોને ભગવદ્ ગીતામાં જગદ્ ગુરૂ શ્રી કૃષ્ણએ નિરૂપિત કર્યા છે. ડિપ્રેશનમાં હજારો રૂપિયા ખર્ચીને ગોળીઓ ખાઈ ખાઈને જીવતા દર્દીઓને અર્જુનનું ડિપ્રેશન(વિષાદ યોગ) કેટલો ગંભીર હશે તે એ બાબત પરથી ખ્યાલ આવવો જોઇએ કે એક બીજાના માથા વાઢી લેવા તત્પર થયેલી 18 અક્ષૌહિણી સેનાની વચ્ચે કુરૂક્ષેત્રમાં ધર્નુર્ધર અર્જુન ગાંડીવ મુકીને ભાંગી પડ્યો હતો. એ ડિપ્રેશનમાંથી પ્રશ્નો અને જવાબો વિગેરે મળીને માત્ર 700 સંવાદો વડે અર્જુનને ઉગારી લેવાનું કામ તો આ ગુરૂએ કર્યુ જ... પરંતુ પાંચ હજાર વર્ષ પછી પણ એ 700 શ્ર્લોકો આજે ય રોજે રોજ હજારો લોકોને ઉગારે છે.
શ્રી દ્વારકાધીશના જીવનમાં કયારેક પણ કોઈ વસ્તુ છોડવાની કે ત્યાગ કરવાની નહી પરંતુ ઉપનિષદ્ ના સુભાષિત तेन त्यत्केन भुज्जीथा નું પ્રતિપાદન થતું જોવા મળે છે. શ્રી કૃષ્ણએ કહેલી ગીતા પણ બ્રહ્મવિદ્યા અને ઉપનિષદ્ જ છે. કયારેક તેઓ વૈશ્વિક સુખને વળગી નથી રહ્યા. તેઓ સતત સાંસરિક બાબતો, રાજકાજ વિગેરેની વચ્ચે રહેવા છતાં જળ કમળ વત રહ્યા અને કર્મયોગનું નિદર્શન કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણએ કોઈપણ જાતના હર્ષ કે શોક વગર અર્જુનનો વિષાદ સાંભળ્યો અને તેને પોતાના કર્મનું પાલન કરવા પ્રેરિત કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ભક્તોને સંપૂર્ણ પ્રભુમય બની અને સમર્પણ ભાવ રાખવા માટે જણાવ્યું છે, પરંતુ કુરૂક્ષેત્રમાં અર્જુન દ્વારા પુછવામાં આવેલા દરેક સવાલના જવાબ તર્કબદ્વ રીતે આપ્યા છે.
આ ઉપરાંત શિક્ષક કે ગૂરૂ વિદ્યાર્થી કે શિષ્યને ખાતરી પણ આપતાં હોય છે કે તેમને દર્શાવેલા રસ્તા પર ચાલવાથી તેનું ભવિષ્ય ઉજળું બનશે અને સમાજ કે દેશનું પણ ભલું થશે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને કહ્યું હતું કે તેણે આ યુદ્વમાં તેના સગાં-વ્હાલાંનો સામનો ધર્મની સ્થાપના માટે કરવાનો છે અને જો તે જીતશે તો પૃથ્વીનું સામ્રાજ્ય મળશે અને વીરગતિને પ્રાપ્ત થશે તો સ્વર્ગ મળશે.
ગુરૂ કે શિક્ષકનું કાર્ય વિદ્યાર્થી કે શિષ્યના જીવનના મહત્વના નિર્ણય લેવાનું નથી, પરંતુ જીવનની વાસ્તવિકતાથી તેનો પરિચય કરાવવાનો છે. સાથે-સાથે સાચા- ખોટાની સમજ આપીને તેને પોતાની જાતે નિર્ણય લેવા સમર્થ બનાવવાનું કાર્ય સાચો શિક્ષક કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને પોતાની રીતે સાચો નિર્ણય લેવા સમર્થ બનાવ્યો.